મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

રવિવાર, 13 ફેબ્રુઆરી, 2011

વેલેન્ટાઈન ડે

પ્રેમનો મતલબ એ એક બીજા પ્રત્યેની લાગણીઓનું આદાનપ્રદાન છે. પ્રેમનો અર્થ માત્ર પામવું નથી. તમે જેને ચાહતા હોવ તેનો ઉપયોગ નહીં પરંતુ તેના માટે ‘ત્યાગ’ એ જ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રણયકથાઓનાં રોમિયો અને જુલિયટની કથા ચિરંજીવ છે. અંગ્રેજી ભાષાના મહાન સાહિત્યકાર શેક્સપિયરે જે નાટકો લખ્યાં, તેમાંનું એક નાટક ‘રોમિયો અને જુલિયટ’ છે. રોમિયો અને જુલિયટની કથા કદી પુરાણી થઈ નથી. આ વિષય પર અનેક વાર ફિલ્મો બની છે અને વારંવાર એ નાટક ભજવાયું છે.

રોમિયો અને જુલિયટની કથા કાંઈક આમ છે.

વેરોના નામનું એક નગર છે. આ નગરમાં બે ઉચ્ચ ગર્ભશ્રીમંત પરિવાર રહેતા હતા. એક પરિવાર કેપ્યુલેટ્સના નામે ઓળખાતો હતો. જ્યારે બીજો પરિવાર મોન્ટેગ્યુસના નામે ઓળખાતો હતો. આ બંને પરિવારો વચ્ચે વર્ષોથી ખતરનાક દુશ્મનાવટ ચાલી આવતી હતી.

મોન્ટેગ્યુસ પરિવારના એક ફરજંદનું નામ રોમિયો હતું. તે દેખાવડો, ગરમ લોહીનો અને છોકરીઓને ગમી જાય તેવો હતો. જ્યારે કેપ્યુલેટ્સ પરિવારમાં પણ એક છોકરી હતી જેનું નામ જુલિયટ. જુલિયટ પણ અત્યંત રૂપાળી અને કમનીય હતી.

આ બંને પરિવારો વચ્ચે વારંવાર સંઘર્ષ થતો હતો. ઘણી વાર શેરીઓમાં પણ લડાઈ થતી હતી. આ લડાઈથી કંટાળીને વેરોનાના રાજકુમારે જાહેર કર્યું કે, “હવે તમે લડાઈ કરશો તો સખત સજા થશે. એ વખતે જુલિયટ માત્ર ૧૩ વર્ષની તરુણી હતી. દરમિયાન કાઉન્ટ પેરિસે જુલિયટ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

એ વખતે રોમિયોને રોઝલીન નામની છોકરી ગમતી હતી. રોઝલીન પણ એક ખાનદાન પરિવારની કન્યા હતી. એ દિવસોમાં કેપ્યુલેટ્સ પરિવારે એક મિજબાનીનું આયોજન કર્યું હતું. રોઝલીન તેમાં હાજરી આપવાની હતી તેવી માહિતી મિત્રોએ રોમિયોને આપી. આ પાર્ટીમાં કાઉન્ટ પેરિસ પણ હાજરી આપવાનો હતો. રોમિયો છૂપી રીતે આ પાર્ટીમાં પ્રવેશી જાય છે અને અકસ્માતે જ તેની નજર જુલિયટ પર પડે છે. બંને વચ્ચે પ્રથમ નજરે જ પ્રેમ ઉદ્ભવે છે. રોમિયો જુલિયટને પોતાની સાચી ઓળખ આપી દે છે, પરંતુ કેપ્યુલેટ્સ પરિવારનો એક મુખ્ય માણસ રોમિયોનો અવાજ ઓળખી જાય છે અને દુશ્મન પરિવારનો છોકરો તેમના ઘરે પાર્ટીમાં આવેલો જાણી તેનું લોહી ઉકળી જાય છે. વળી તેને જુલિયટ સાથે વાતો કરતો જોઈ તે વધુ ક્રોધે ભરાય છે અને રોમિયોને ત્યાં જ કાપી નાંખવા માટે તલવાર મંગાવે છે. થોડી જ વારમાં કેપ્યુલેટ્સ પરિવારના વડાને આ વાતની ખબર પડતાં તેઓ તેમના નાના ભાઈને સમજાવે છે કે “આજે આપણા ઘરમાં કોઈ રક્તપાત થાય તે ઠીક નથી.”

પરિણામે રોમિયો લાંબા સમય સુધી જુલિયટ સાથે વાત કરતો રહે છે પણ જુલિયટ પ્રત્યેનો પ્રથમ પ્રેમ વ્યક્ત કરવા જુલિયટના હાથને કિસ કરે છે. હવે તેને જુલિયટના હોઠ પર ચુંબન કરવાની ઇચ્છા થાય છે. દરમિયાન એક નર્સ આવી જાય છે અને તે જુલિયટને તેના નામથી બોલાવે છે ત્યારે પહેલી જ વાર રોમિયોને તેના નામથી ખબર પડે છે. પહેલી જ વાર એ વાતની પણ ખબર પડે છે કે તે તેના પરિવારના દુશ્મન પરિવારની જ પુત્રી છે. ઘરમાં કોઈ ખૂનખરાબો ન થાય તેવી કેપ્યૂલેટ્સ પરિવારના વડાની ઇચ્છા હોઈ રોમિયો બચી જાય છે. બંને બાળકો આમ તો ટીનેજ છે.

ઘરે આવ્યા બાદ રોમિયો જુલિયટને ભૂલી શકતો નથી. તે ખાનગીમાં જુલિયટને મળવા પ્રયાસ કરે છે. જુલિયટનું મકાન પુષ્કળ વૃક્ષોથી ઘેરાયેલા મહેલ જેવું હતું. રાતના સમયે તે વૃક્ષોની પાછળ સંતાઈને જુલિયટના ભવ્ય વીલા પાસે આવી પહોંચે છે અને રાતના અંધારામાં એક વૃક્ષની પાછળ સંતાઈ જાય છે. એ જ વખતે અંધારામાં જુલિયટ એના બેડરૂમની બાલ્કનીમાં જ ઊભેલી દેખાય છે. જુલિયટ પણ રોમિયોને યાદ કરતી હોય છે. બાલ્કનીમાં ઊભેલી જુલિયટ બોલતી હોય છે.

“રોમિયો ઓ રોમિયો, તું ક્યાં છે? તું મોન્ટેગ્યુ કેમ છે? તારું નામ રોમિયો મોન્ટેગ્યુ કેમ છે? તું બીજું કોઈ નામ અને અટક ધારણ કરતો કેમ નથી? નામમાં શું છે? ગુલાબને બીજા કોઈ પણ નામથી બોલાવો તોપણ એની મીઠી સુગંધ તો એની એ જ રહે છે.” અને આ સાંભળી રોમિયો વૃક્ષની આડશમાં બહાર આવે છે. જુલિયટ રાજી થઈ જાય છે. બે તડપતાં હૈયાંનું મિલન થાય છે. રોમિયો પ્રેમ માટે તેનું નામ અને પરિવારની અટક ત્યજી દેવા તૈયાર થઈ જાય છે. બેઉ એક બીજાને ચાહે છે તે વાતનો એકરાર કરી બીજા જ દિવસે સવારે મળવા તથા લગ્ન કરી લેવાનું નક્કી કરે છે.

તેઓ ફાધર લોરેન્સની મદદ માંગે છે. ફાધર લોરેન્સ મોન્ટેગ્યુ અને કેપ્યુલેટ્સ પરિવાર વચ્ચે સંધિ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરતા હતા. રોમિયો અને જુલિયટ ફાધર લોરેન્સ પાસે પહોંચી જઈ લગ્ન કરાવી આપવા મદદ માંગે છે. પહેલાં તો ફાધર લોરેન્સને રોમિયોની વાતમાં વિશ્વાસ પડતો નથી, પરંતુ તેની મક્કમતા જોઈ પાછળથી તેને મદદ કરવા તૈયાર થઈ જાય છે. ફાધર લોરેન્સ બંનેને ગુપ્તતાથી પરણાવી દે છે અને એવી ઇચ્છા રાખે છે કે એક દિવસ તો બેઉ પરિવારો વચ્ચે સુલેહ થશે. અલબત્ત, તેઓ રોમિયોને બધું થાળે પડે નહીં ત્યાં સુધી આ લગ્ન ગુપ્ત રાખવા સલાહ આપે છે.

રોમિયો ઘરે પાછો ફરતો હોય છે ત્યારે રસ્તામાં તેનો એક મિત્ર અને જુલિયટનો કઝીન જાહેરમાં ઝઘડતા હોય છે. બેઉ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થાય છે, પરંતુ જુલિયટનો કઝીન હવે તેનો સાળો થતો હોઈ રોમિયો નરમ શબ્દો વાપરે છે, પરંતુ જુલિયટનો કઝીન રોમિયોના મિત્રને લોહીલુહાણ કરી દે છે અને તેના મિત્રનું મૃત્યુ નિપજે છે. એ આક્રોશમાં રોમિયો પણ જુલિયટના કઝીનને તલવારથી મારી નાંખે છે, પરંતુ તુરંત જ તેને ભૂલ સમજાય છે. “ઓ ભગવાન, કિસ્મતે મારી પાસે આ શું કરાવી નાખ્યું.”

રોમિયો દેશનિકાલ થાય છે.

હવે જુલિયટ પણ તેના પિતાને રોમિયો સાથે કરેલા ગુપ્ત લગ્નની વાત કહેતા ગભરાય છે. તે આખી વાત છુપાવી રાખે છે. પરિણામે તેના પિતા જુલિયટના કાઉન્ટ પેરિસ સાથે લગ્ન કરાવી દેવાનું આયોજન કરવા માંડે છે. જુલિયટ ફાધર લોરેન્સ પાસે પહોંચી જાય છે. ફાધર લોરેન્સ એક પ્લોટ ઘડી કાઢે છે. તેઓ જુલિયટને કહે છે કે “હમણાં તું કાઉન્ટ પેરિસ સાથે લગ્ન કરવાની હા પાડી દે. ફાધર લોરેન્સ જુલિયટને કહે છે, હું તને એક દવા આપીશ, જે તને ત્રણ દિવસ સુધી બેભાન રાખશે. તને મૃત જાહેર કરાશે. તને એક કોફિનમાં તે દરમિયાન રાખવામાં આવશે. હું રોમિયોને બોલાવી લઈશ અને તે તને બચાવીને લઈ જશે.”

જુલિયટને એક કેફી દવા આપવામાં આવે છે તે બેભાન થઈ જાય છે. જુલિયટને મૃત જાહેર કરવામાં આવે છે. લગ્નના બદલે હવે અંતિમ ક્રિયાની તૈયારી શરૂ કરવામાં આવે છે. ફાધર લોરેન્સનો પત્ર રોમિયોને સમયસર પહોંચતો નથી. રોમિયોને તો એટલી જ ખબર પડે છે કે ‘જુલિયટ મરી ગઈ છે’ તેથી તે પણ બજારમાંથી ઝેર લઈ આવે છે અને વેરોના પહોંચી જાય છે. વેરોનાની કબર કે જ્યાં જુલિયટને રાખવામાં આવી હતી ત્યાં તે પહોંચી જાય છે. એ જ વખતે રાત્રે કાઉન્ટ પેરિસ પણ જુલિયટની કબર પાસે શોક વ્યક્ત કરવા આવ્યો હતો. રોમિયોને તે ચોર સમજી તલવાર ઉગામે છે. બંને વચ્ચે લડાઈ થતાં પેરીસ માર્યો જાય છે. છેલ્લા શ્વાસ લેતી વખતે પેરિસ કહે છે, “મને પણ જુલિયટની કબરની બાજુમાં જ દાટજો.” ત્યારે જ રોમિયોને ખ્યાલ આવે છે કે, “ઓહ ભગવાન! મેં બીજી ભૂલ કરી નાંખી.”

રોમિયો જુલિયટનું કોફિન ખોલે છે. તેના મૃતદેહને જોઈ રહે છે અને જુલિયટના હોઠ પર છેલ્લું ચુંબન કરે છે અને ત્યાં જ તે ઝેર પી લે છે. પરંતુ જુલિયટને અપાયેલી દવાની અસર પૂરી થતાં તે ભાનમાં આવે છે. જુલિયટ તેની બાજુમાં જ પડેલા રોમિયોના મૃતદેહને નિહાળી ચોંકી જાય છે. બાજુમાં પડેલી ઝેરની શીશી જોઈ તે શું થયું હશે તે સમજી જાય છે. રોમિયોના ઝેરવાળા હોઠ પર તે ચુંબન કરે છે. પણ તેથી મૃત્યુ ન નીપજતાં તે રોમિયોના શરીરે બાંધેલું ખંજર ખેંચી કાઢી તેની છાતીમાં ઘુસાડી જુલિયટ પણ મૃત્યુને પસંદ કરે છે.

ફાધર લોરેન્સને ખબર પડે છે કે જુલિયટ મરી નથી એવો પત્ર રોમિયોને પહોંચ્યો જ ન હોઈ તેઓ જુલિયટને બચાવવા કબ્રસ્તાનમાં પહોંચે છે, પરંતુ કબ્રસ્તાનમાં તો રોમિયો અને જુલિયટ બાજુ બાજુમાં જ મૃત્યુ પામેલાં દેખાય છે. રાત્રે બંને પરિવારો ભેગા થાય છે અને ફાધર લોરેન્સ તેમની દુશ્મનીનો હવે કાયમી અંત લાવવા જણાવે છે.

અંગ્રેજી સાહિત્યમાં રોમિયો અને જુલિયટ સ્ટાર ક્રોસ્ડ લવર્સ કહેવાયાં આવે છે અને તે એક ટ્રેજેડી છે. ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે અંગ્રેજી સાહિત્યની આ ઉત્કૃષ્ટ કૃતિ વાચકોને અર્પણ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More