મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ = માવો – જીગ્નેશ અધ્યારૂ


માવો એટલે ? કોઇ માવો શબ્દ ઉચ્ચારણ કરે તો તમારા મનમાં કયું ચિત્ર ખડું થાય? દૂધનું વિઘટન કરી બનાવાતા માવાનો વિચાર તમને આવે? તો આ લેખ પૂરતા તમે ખોટા છો. આ લેખમાં દેવોને પણ અતિદુર્લભ અને છતાં સૌરાષ્ટ્રમાં ડગલે ને પગલે સુલભ એવા માવાની અમે વાત કરવાની હિંમત કરીએ છીએ.
જો જો …. ભૂલેચુકેય મીઠાઈઓના બાદશાહ પેંડાનો આત્મા એવા દૂધમાંથી બનતા માવા વિશે સમજતા નહીં. એ માવો તો આ “માવા”ની કેટેગરીમાં ક્યાંય આસપાસેય ફરકતો નથી. એનું લેવલ ક્યાં અને ક્યાં આ “માવો”….અહાહા … જેનું નામ સાંભળતા વેંત કેટલાયનાં હાથ સળવળી ઉઠે અને મોંમાંથી પાણી જતું રહે તે આ માવો …..જેને પામવા કેટલાંય મજનુ હેઠો પડે એ હદની દિવાનગી સુધી જતા રહે અને જેના વગર ઘણાંય પોતાના અને પાનવાળાઓના જીવન તુચ્છ ગણે છે તે …. હજીય ન સમજ્યા ? … તો  હવે અમે જ સસ્પેન્સ ઉઘાડીએ …. ભગવદ્વોમંડલ મુજબ “માવા” શબ્દનો એક અર્થ થાય છે, “બારીક નરમ ભૂકો; નરમ સુંવાળું ને ગાઢું સત્ત્વ” આ ઉપરાંત તેના અન્ય અર્થો છે “સત્વ, સાર, ગર્ભ”, પણ એક મહાન સત્યને તેઓ ચૂકી ગયા છે, માવો એ સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ છે, તેની મહત્તાને ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યા ઉમેરી દેવા અમારું હાર્દિક સૂચન છે.
આપણે જેની વાત કરી રહ્યા છીએ તે માવો એટલે સોપારી, ચૂનો તમાકુ, કિમામ, બહાર વગેરે જેવા અને અન્ય કેટલાક અત્યંત માદક સુગંધી (જેની સુગંધ ફક્ત તેના વપરાશકર્તા કે માણનારને જ ગમે) દ્રવ્યોને પ્લાસ્ટીકનાં એક નાનકડા ચોરસ કટકામાં ભેગા કરી, મિશ્ર કરી (હદ ઉપરાંત ચોળવું તે) , મસળીને ઉપયોગમાં લેવાતું ચૂર્ણ. તે તમાકુ, ચૂનો અને સોપારીનું સત્વ છે, તે આનંદ નો ગર્ભ છે, બધાં બંધાણનો સાર છે.” આમ એક રીતે ભગવદ્ગોમંડળ પણ માવાની વ્યાખ્યા મૂળભૂત રીતે સમાવી લે છે.
વપરાશકારોની સ્વાદપ્રિયતા અને અંગત પસંદગીને માન આપીને સંશોધન દ્વારા શોધવામાં આવેલા, કાઠીયાવાડ વિસ્તારની ગલીએ ગલીએ પાનની દુકાને અનાધિકૃત વિક્રેતાઓ દ્વારા મળતા માવાના અનેક પ્રકારો અને પેટા પ્રકારો ઉપલબ્ધ છે. મુખ્યત્વે 90, 120, 135, 300 જેવા અનેક અંકો રૂપી પ્રકારો ધરાવતા માવા અને તેમાં ઉમેરાતા જીહવા પ્રિય સુગંધિત અને સ્વાદિષ્ટ પદાર્થો જેવા કે તમાકુ, કીમામ પાઉડર, બહાર, વગેરેના લીધે માવાની મહત્તા દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે છે.
શરૂઆત માવા ખાતા મિત્રોના વણમસળાયેલા મિશ્રણમાંથી એકાદ બે સોપારીના કટકા લઇ, સાફ કરી, ખાવાથી થાય છે. જે ફક્ત થોડોક સમય જ ચાલે છે. હજી શરૂઆતના તબક્કે હોય અને એકલી સોપારીના સ્વાદથી કંટાળ્યા હોય તેવા વીરલાઓ અખતરા કરવા, મિત્રોને જોઇ જોઇને અને કાંઈક નવું અલભ્ય આનંદદાયક મેળવવા માવા તરફ વળે છે. તમાકુના વિવિધ પ્રકારો વચ્ચે તે પોતાને ફાવતો એવો એક અંક પસંદ કરી એ જ પ્રકાર ખાવો એમ ગાંઠ વાળી લીધી હોય તેમ પછી દર વખતે માવો બંધાવતી વખતે ” 90 નો ” એમ કહે એટલે દુકાનદાર એ સંકેત સમજી જાય છે. માવો ખાવાના વળગણની ખાસીયત ઘણી વખત એ વાતથી વધુ સ્પષ્ટ થાય છે કે ઘણા એકલવીરોનો માવો બંધાવવાની જગ્યા, એટલેકે કોઇક પાનની દુકાન નક્કી હોય છે. ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે એ દુકાને પહોંચીને માવો બંધાવવા તેઓ બધુંય કરી છૂટે છે. બહાર ગામ જવાનું હોય તો અગાઉથી પાનવાળાને ફોન કરી “લાલો બોલું, મારા પાંચ માવા બાંધી રાખજે” જેવા સંદેશા પહોંચાડી દેવાય છે, એટલે તમે ત્યાંથી નીકળો ત્યારે ફક્ત માવા લેવાના જ રહે (પૈસા આપવા પરમેનેન્ટ મહીનાવાર હપ્તો બાંધેલો હોય છે.)
જો કોઇક વખત વખાના માર્યા તેમને બીજા કોઇ પાનવાળા પાસેથી માવા બંધાવવાના આવે તો જાણે ગ્લોબલ વોર્મિંગથી દુનિયા રસાતળ જવાને કલાકો ગણાતા હોય એવી અધીરાઇથી પેલાને સૂચનાઓ આપે છે, “120 નાખજે, કાચી સોપારી કટકા થોડાક વધારે નાખજે, ચૂનો પાતળો રાખજે, નહીં જેવી લવલી નાખજે”. ઘણાંને સવારે માવો ખાધા વગર એમનું પેટ એમને સથવારો આપતું નથી. ઘણાં બ્રશ કર્યા પહેલા માવો ખાવા અધીરા હોય અને ઘણાં ચા પીધા પછી. હવે પોર્ટેબલ માવા કે પાર્સલ માવાના નામે ઓળખાતી નવી સગવડ શરૂ થઇ છે, જે અંતર્ગત એક ટચૂકડા પાઉચમાં ચૂનો અને પાણી તથા અલગ પ્લાસ્ટીકમાં સોપારી, તમાકુ જેઆ દ્રવ્યો ભેગા કરી અપાય છે. એટલે જ્યારે તમારે માવો ખાવો હોય ત્યારે એ પાઉચ તોડી, ચૂનો અને પાણી અન્ય દ્રવ્યો સાથે મિશ્ર કરી ખાઇ શકાય છે. આમ માવો એ નવી શોધનું કેન્દ્રબિંદુ પણ બની રહ્યો છે.
જો કે ઘણી વખત કરકસર પ્રિય મિત્રો પોતે પૈસા ન ખર્ચવા પડે એટલે પોતાની આજુબાજુ માવા ખાવા વાળા પર્ રીતસરની ” વોચ ” રાખે છે, અને જેવા પેલા માવો ખાવાની તૈયારી કરે એટલે “લાવો થોડોક ખાઇએ” એમ કહીને હાથ લંબાવે છે. આવા લોકો “ધરમની ગાયના દાંત ન જોવાય” એ ન્યાયે ગમે તે “સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી” ના માવાને “એડજસ્ટ” થઇ જાય છે. તેમને પોતાને કોઇ નિયમો હોતા નથી, પણ ફક્ત “પારકો માવો ફ્રીમાં ખાવો” એ જ તેમનું અંતિમ ધ્યેય હોય છે. આ સરળતાથી ઉપલબ્ધ માવો ખાવા તેઓ ઘણી વખત ચોળી આપવાની અને મિશ્રણની પ્રક્રિયાઓ સ્વયંસેવાના ભાવથી હસતા હસતા કરી આપે છે. આવા લોકો આસપાસ હોય ત્યારે સામાન્ય રીતે તેમના મિત્રો પણ માવો ખાવાનું બંધાણ થોડીક મિનિટ આઘું ઠેલી દે છે.
રોજે રોજના થતા અનરાધાર ખર્ચથી બચવા અને છતાંય આ રાજસી ચૂર્ણનું સેવન કર્યે રાખવા આ સિવાય પણ ઘણાં રસ્તા છે, આ ક્ષેત્રમાં પદાર્પણ કરતાં કરતાં આગળ બે રસ્તા મળે છે. એક ફાંટો તમાકુ અને ચૂના મિશ્રિત ચૂર્ણ તરફ અને બીજો ગુટખા તરફ જાય છે. માવાના અનરાધાર થતાં ખર્ચથી બચવા “કોસ્ટકટીંગ” ના રસ્તે જતા ગુટખા આવે છે. એક થી દોઢ રૂપીયામાં મળતા આ ગુટખા ખીસ્સાને પરવડે અને જીભને સ્વાદ આપે (ભલે આસપાસ વાળાઓ તેની ગંધથી અધમૂવા જેવા થઇ જાય). પડીકી ખોલો અને ગુટખાને મોંમાં ભભરાવો એટલે કામ પત્યું. રસિકો દિવસમાં પંદર પંદર ગુટખા ખાઇ જાય છે. એક મિત્રને તો મેં એવી પણ સલાહ આપી હતી કે જેટલા ગુટખા ખાય છે એટલા રૂપિયાના જો ગુટખા કંપનીના શેર તેણે લીધા હોત તો એ કંપનીનો ડાયરેક્ટર થઇ ગયો હોત. પણ માવા કે ગુટખા ખાવા વાળાઓ દ્રઢ નિશ્ચય હોય છે, તેમની માવો ખાવાની મહેચ્છાઓ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલી અફર હોય છે. દસ દસ વખત માવાનું અને ગુટખાનું બંધાણ છોડ્યાના દાખલા પણ નોંધાયા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાએ મહત્તમ વખત માવો છોડનારનો રેકોર્ડ દાખલ કરવો જોઇએ, તો તેમાં મહાન સ્પર્ધા જોવા મળે.  ઘરવાળાઓ કે મિત્રો ગમે તેટલું કહે, “અમે એક વખત ચાલું કરી દીધું એટલે હવે રહેવાતું નથી, છૂટતુ જ નથી” એમ કહી એ પોતે છૂટી જાય છે. બીજાને માવો ખાવાની ટેવ ન પાડવાની સલાહ પણ જેમ બુશ યુધ્ધ ન કરવાની કે રાખી સાવંત ચુપ રહેવાની સલાહ આપે એટલી સહજતાથી આપી દે છે.
અમે તો એમ પણ કહીએ છીએ કે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા ત્યારે મહારાજાએ જો દૂધની બદલે પાર્સલ માવો મોકલ્યો હોત તો પારસીઓએ માવામાં ચૂનો ઉમેરી મિશ્ર કરી એવો સંદેશ આપ્યો હોત કે જેમ માવામાં ચૂનો ભળી જાય છે તેમ અમે પણ તમારી પ્રજામાં ભળી જઇશું. માવો એ સૌરાષ્ટ્રના દરેક ગામ, મહોલ્લા, શેરીમાં સાર્વત્રીક, સામાજીક અને સાહજીક વસ્તુ છે, લગ્ન વખતે જાનૈયાઓને થાળમાં બીડી, સિગરેટ અને તમાકુ સાથે માવાય મૂકવામાં આવતા હશે. માવો સમાજનું અભિન્ન અંગ છે. માવો ખાવાની શરૂઆત કરો એટલે આસપાસના બે ત્રણ જણા નજીક આવી જાય અને એકતા સાથે ભાઇચારાનું અનોખું બંધન રચાય છે. એક બીજા પર આધાર અને વિશ્વાસ રાખવાનું શરૂ થાય છે અને આમ સમાજ બંધનમાં, કૌટુંબિક ભાવનાના વિકાસમાં પણ માવાનું યોગદાન અનોખું છે. માવા પર હજી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તે સૌરાષ્ટ્ર સિવાય ભારતના અન્ય ભાગોમાં ખૂબ પ્રખ્યાત થશે, અરે તેના એક્સપોર્ટ અને વિદેશોમાં વેચાણથી વિદેશી હુંડીયામણ પણ આવવાની શક્યતાઓ છે. માવા પ્રેમીઓની લાગણીને માન આપીને વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા વિદેશી મહેમાનોની સરભરા પણ માવાથી કરાવવાની એક પ્રપોઝલ સરકાર સુધી પહોંચાડવાની મહેચ્છા છે. વિચારો કે કોઇ વિદેશી મહેમાન વાઇબ્ર ન્ટ ગુજરાત સમારંભમાંપાર્સલ માવો ચોળીને મોદી સાહેબને ઓફર કરે તો?…….
શું કહો છો મોદી સાહેબ, માવો થઇ જાય ?

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More