તમે હજી તો આ લેખ વાંચવાની શરૂઆત કરી હોય, ત્યાં ડોરબેલ વાગે અને તમે ઊભા થઈ દરવાજો ખોલો, તો સામે, આતંકવાદીઓના ઇમેઇલનું પગેરું દબાવતી પોલીસ ઊભી હોય એવું બની શકે છે. પછી, તમે નિર્દોષ નાગરિક છો એવું સાબિત કરવાની જવાબદારી તમારી.
રૂવાડાં ઊભાં થઈ ગયાં? હમણાં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પહેલાં એ વિશે મીડિયાને જાણ કરતા ઇમેઇલનું મૂળ શોધતી પોલીસ નવી મુંબઈના એક એપાર્ટમેન્ટ સુધી પહોંચી. કોમનસેન્સ કહે છે કે આતંકવાદ સાથે સંકળાયેલી વ્યક્તિ પોતાના ઘરેથી આવા ઇમેઇલ કરે નહીં, પણ પોલીસે તો તપાસ કરવી જ રહી. એ કેસમાં જે સત્ય બહાર આવે તે, ટૂંકી વાત એટલી કે આવું મારી-તમારી કોઈની પણ સાથે થઈ શકે છે, કેમ કે ઇમેઇલ સ્પૂફિંગનો શિકાર કોઈ પણ બની શકે છે.
શું છે આ ઇમેઇલ સ્પૂફિંગ? સાદી ભાષામાં કહીએ તો, તમે જેને ઓળખતા પણ ન હો એવી કોઈ ભળતી જ વ્યક્તિ તેના ઇમેઇલ ‘તમારા નામે ચઢાવીને’ બીજાને મોકલે તેને ઇમેઇલ સ્પૂફિંગ કહેવાય. આવા ઇમેઇલમાં વાઇરસ મોકલ્યા હોય કે કોઈને ગાળો ભાંડી હોય, કોઈને અશ્લિલ ફોટોગ્રાફ મોકલ્યા હોય કે બોમ્બ બ્લાસ્ટની આગોતરી શેખી કરી હોય – આવી કોઈ પણ ગુનાહિત બાબતની જવાબદારી તમારા શિરે આવે કેમ કે એ ઇમેઇલના મથાળે ઇમેઇલ મોકલનાર તરીકે, ‘ફ્રોમ’માં તમારું ઇમેઇલ આઇડી હોય. પછી તમારા કમ્પ્યૂટરનું આઇપી એડ્રેસ મેળવીને તમારા દરવાજે ટકોરા મારતાં પોલીસને વાર લાગે નહીં.
ઇન્ટરનેટની જેટલી ઉજળી બાજુ છે એનાથી કંઈક ગણી વધુ કાળી, બિહામણી બાજુ છે. અહીં તમારે પોતે જ સાવધ રહેવાનું છે. તમારા બચાવ માટે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી પડે. જેમ કે…
- તમારા ક્મ્પ્યૂટરમાં અચૂક એન્ટીવાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરો અને તેને સતત -સતત – અપડેટ કરતા રહો.
- ઇમેઇલ હોય કે બીજી કોઈ પણ સાઇટ, તમારો પાસવર્ડ વારંવાર બદલો. કોઈ સહેલાઈથી ધારણા બાંધી શકે એવા પરિવારજનોનાં નામના પાસવર્ડ ન વાપરો. અક્ષર અને આંકડાબંનેનો ઉપયોગ કરીને પાસવર્ડ બનાવો.
તમારો પાસવર્ડ કોઇને જણાવો નહીં. નેટબેંકિંગનો ઉપયોગ કરતા હોય તો તો ખાસ. તમારી બેંક પણ ઇમેઇલમાં તમારો પાસવર્ડ પૂછશે નહીં – ક્યારેય નહીં.તમારી અંગત માહિતી ક્યારેય નેટ પર કોઈને આપો નહીં.- ઇમેઇલ કે કોઈ પણ પ્રોગ્રામમાં લોગ-ઇન થયા હો તો કામ પત્યે અચૂક લોગઑફ કરો.
- કોઈ પણ અજાણ્યા ઇમેઇલનાં એટેચમેન્ટ ક્યારેય ખોલો નહીં કે તેનો જવાબ ન આપો.ઉશ્કેરણીજનક કે લોભામણા કે મદદ કરવાની ઇચ્છા થઈ આવે એવા ઇમેઇલની બિલકુલઅવગણના કરો. તમારા ઇમેઇલ પ્રોગ્રામમાં આવા મેઇલને ‘સ્પામ’ તરીકે રિપોર્ટ કરવાની સુવિધા હશે. એનો ઉપયોગ કરો.
- આમ કરવા જતાં ક્યારેક ખરેખર ઉપયોગી ઇમેઇલ ડિલિટ થવાનું જોખમ ખરું, પણ એનાથી જેટલું નુક્સાન થશે એનાથી અનેકગણું વધુ નુક્સાન ટાળી શકશો



0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો