મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

બુધવાર, 24 નવેમ્બર, 2010

દરેકને પ્રેમ કરવા વિશેની વાત

 ‘આખરે દીકરો શું છે? એવું શું છે જે મારા વીર્યને અન્યના કરતાં વિશેષ મારું બનાવે છે? લોહીમાંસના એ સંબંધનું શું મૂલ્ય છે?

સુરેશભાઇ દલાલે તાજેતરમાં ગુજરાતી, અન્ય ભારતીય ભાષાઓની અને વિદેશી વાર્તાઓમાંથી એમને ગમતી કેટલીક વાર્તાઓનું સંપાદન ‘વાર્તાવિશ્વ’પ્રકાશિત કર્યું છે. તેમાં આઇઝેક બાશેવિસ સિંગર નામના વાર્તાકારની યિડિશ વાર્તા ‘દીકરો’ લીધી છે, જેનો ગુજરાતી અનુવાદ ઉત્પલ ભાયાણીએ કર્યો છે.

વાર્તામાં હિટલરે કરેલા યહૂદીઓના વિનાશમાંથી બચી ગયેલો એક યહૂદી પિતા ન્યૂ યોર્કમાં સેટલ થયો છે. જર્મન નાઝીઓના જુલ્મોના સમયગાળા દરમિયાન એ એની પત્ની અને દીકરાથી અલગ થઇ ગયો હતો. યુદ્ધ પૂરું થયા પછી એની પત્ની પતિ પાસે અમેરિકા આવતી નથી, પરંતુ દીકરાને લઇને ઇઝરાયલમાં રહેવા જાય છે. દીકરો પોતાના દેશના સૈન્યમાં જોડાય છે. વાર્તા શરૂ થાય છે ત્યારે દીકરો ઇઝરાયલથી આવી રહેલા વહાણમાં પિતાને મળવા માટે આવવાનો છે.

પિતા દીકરાની વાટ જોતો ઊભો છે. એણે છેલ્લાં ત્રીસ વર્ષોથી દીકરાને જોયો નથી. દીકરો જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે પિતા પત્ની અને દીકરાથી છુટો પડી ગયો હતો.બાપ વિચારે છે કે જહાજમાંથી ઊતરી રહેલા મુસાફરોમાંથી એ પોતાના દીકરાને ઓળખશે કઇ રીતે. એની પાસે દીકરાનો એક ધૂંધળો ફોટો હતો. એ ફોટો દીકરો લશ્કરમાં હતો અને આરબો સામે લડ્યો હતો તે સમયનો છે. એ જૂના ફોટાના આધારે એને ઓળખી કાઢવો સહેલું નહોતું.

લાંબી પ્રતીક્ષા પછી મુસાફરો વહાણમાંથી ઊતરવા લાગે છે અને એમનાં સગાંવહાલાંઓને મળતાં જાય છે. પિતા ભીડમાં પોતાના દીકરાને શોધ્યા કરે છે. જેને જુએ એને જોતાં જ વિચારે કે ‘મારો દીકરો વૃદ્ધો અને પ્રૌઢોમાં ન જ હોઇ શકે. તેના વાળ કાળા અને ચપોચપ ઓળેલા, ખભા પહોળા અને આંખો ચમકતી ન હોઇ શકે-એવો કોઇ મારા વીર્યમાંથી પાંગરી જ ન શકે.’

ત્યાં જ એની પાસે દીકરાનો જે જૂનો ફોટો હતો તેને મળતો એક જુવાન વહાણમાંથી આવતો દેખાય છે. એ લાંબા, પાતળા, સહેજ વળી ગયેલા, લાંબા નાક અને સાંકડી હડપચીવાળા જુવાનને જોતાં જ પિતાને લાગે છે કે આ જ એનો દીકરો છે. એ એના તરફ દોડી જાય છે. એ જુવાન કોઇકને શોધતો હતો. વાર્તાનાયકમાં પિતાનું વાત્સલ્ય જાગી ઊઠે છે. એને દૂરથી જોતાં પિતાના મનમાં ચિંતા પણ જાગે છે. એને લાગે છે કે એનો એ દીકરો માંદો છે, નંખાતો જાય છે. પિતા એણે માની લીધેલા દીકરાને એના નાનપણના નામે બોલાવવા જાય છે ત્યાં જ એકાએક એક જાડી સ્ત્રી જે જુવાન તરફ ધસી જતી દેખાય છે.

સ્ત્રી એ જુવાનને બાહુપાશમાં જકડી લે છે. તરત જ બીજાં સગાંવહાલાંઓનું ઝૂંડ પણ ત્યાં પહોંચી જાય છે. પિતાને ભાન થાય છે કે એ જે અજાણ્યા જુવાનને પોતાનો દીકરો માનતો હતો એ વાસ્તવમાં એનો દીકરો નહોતો. પિતાને લાગે છે: જાણે ‘એ લોકોએ મારી પાસેથી એક દીકરો છીનવી લીધો હતો, જે મારો નહોતો!’ વાર્તાનાયકને એ આખી ઘટના ‘એક પ્રકારના આધ્યાત્મિક અપહરણ’ જેવી લાગે છે. એનામાં જાગેલી પિતા તરીકેની ઊર્મિઓ ભોંઠી પડી હતી. એનામાં અપમાનની લાગણી પણ જન્મે છે.

ત્યાર પછી એ પિતા એક માણસના અન્ય માણસો સાથેના, સંતાનો-એમનાં પણ સંતાનો સાથેના સંબંધોના સંદર્ભમાં વ્યાપક અર્થમાં જે વિચારે છે એ ખૂબ મહત્વનું છે. એ વિચારે છે: ‘આખરે દીકરો શું છે? એવું શું છે જે મારા વીર્યને અન્યના કરતાં વિશેષ મારું બનાવે છે? લોહીમાંસના સંબંધનું શું મૂલ્ય છે? એક જ ગંજાવર વાસણની સપાટી પર રહેતા ફીણ જેવા આપણે છીએ. પેઢીઓ પાછળ જાઓ અને આગંતુકોના આ આખા ટોળાનો (એ અર્થમાં સમગ્ર માનવ જાતનો) પિતામહ એક જ નીકળે અને બેત્રણ પેઢીઓ પછી આજના વંશજો પારકા થઇ ગયા હશે. બધું જ ક્ષણિક અને સસ્તું છે-આપણે એક જ સમુદ્રના પરપોટા, એક જ ભૂમિના છોડવા છીએ. જો કોઇ દરેકને પ્રેમ ન કરી શકે તો તેણે કોઇને પ્રેમ ન કરવો જોઇએ.’

આ વિચાર ક્ષુબ્ધ કરી દે તેવો છે. માણસ જેને પોતાનું માનીને વળગી રહે છે તે આખરે સમગ્રના સંદર્ભમાં કેટલું બધું વામણું લાગે છે. ‘દીકરો’ વાર્તાના લેખક પ્રેમ કે વાત્સલ્યભાવનો નકાર કરતા નથી, પણ એમનું વિધાન છે કે જે માણસ દરેક જણને પ્રેમ કરી શકે નહીં એણે કોઇને પ્રેમ કરવો જોઇએ નહીં. માનવીય સંબંધના વ્યાપક અર્થમાં આ મારું અને આ પારકું એવું અનુભવવાનો કોઇ અર્થ વાર્તાલેખકને જણાતો નથી.

ડૂબકી, વીનેશ અંતાણી

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More