મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

રવિવાર, 21 નવેમ્બર, 2010

જીવવાનો નશો

 
જિંદગીમાં જલસા કરો
આમ, ઉદાસ થઈને શું બેઠા છો?
તમારો ચહેરો કેવો લાગે છે
તે અરીસામાં જોઈ આવો
અરીસો તોડી નાખવાનું મન થશે
થઈ થઈને તમને શું થશે?
કઈ ચિંતા કોરી ખાય છે?
ચિંતા કરવાથી કોઈની પણ ચિંતા ક્યારેય
જાય છે?
સલામતીના વિચાર આવે છે?
ખુદ આજને પણ ખબર નથી કે કાલે શું
થવાનું છે
પૂરતો પૈસો નથી, પૂરતી સગવડ નથી
માણસને તો કૈં પણ આપો
બધું ઓછું જ પડવાનું
અને ધારો કે બધું આપ્યું
તો પણ ભૂખ્યા વાઘ-વરુ જેવો
એ કદીયે ધરાય નહીં:
વૃક્ષ ચિંતા નથી કરતું
એટલે એ વિકસે છે
એને ફૂલો આવે છે, ફળ આવે છે
મૂળિયાં ઊંડાં છે ને ઉપર આકાશ છે
હૃદયમાં હાશ છે
ડાળી પર પંખી ગાય છે
પુષ્પોને પતંગિયા ચુંબન કરે છે
ભમરાઓ ગુંજન કરે છે
આસપાસ સંગીતનું મધપાન છે
પોતાની મેળે નશો કરે છે
કોઈ પણ પ્રકારના વસવસા વિના

કોઈ રડે એનો વાંધો નથી, પણ રોતલ હોય એનો વાંધો છે. ઉદયન ઠક્કરના શબ્દોમાં કહીએ તો ઊઠે ત્યારે ઉઠમણું અને બેસે ત્યારે બેસણું. આવા માણસો મને અંદરથી ગમતા નથી. સોગિયા મોઢા લઈને ફરનારા માણસો નકારના માણસો છે. જીવન તો ખુલ્લેખુલ્લો સ્વીકાર માગે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય માણસે એનો મુકાબલો કરવો જોઈએ. હસી કાઢવું અને હસતા રહેવું એ જીવનનો ધ્રુવ મંત્ર. રજનીશજી કહેતા: ‘લાફટર ઈઝ માય રિલિજિયન.’ જલસા શબ્દ એ મારો તકિયાકલામ છે. દેવદાસની જેમ ઉદાસ થવાનો કોઈ અર્થ નથી. ન્યુરોટિક પર્સનાલિટી માણસને ક્યાંયનો રહેવા દેતી નથી.

કેટલાકનાં ડાચાં એવાં દિવેલિયાં હોય છે કે એમને જોઈએ તો આપણા મનમાં નકારાત્મક સ્પંદન જાગે. ખાટી છાશ પીધી હોય એવા ચહેરા લઈને ફરવાનો શું અર્થ? કાંટાના વનમાં મહાલવાને બદલે દ્રાક્ષના મંડપમાં બેઠા હોઈએ એવી અંદરથી બાદશાહીથી રહેવાનો આનંદ છે. કરમાયેલા ચહેરાઓ જો અરીસાની સાથે મસલત કરે તો અરીસામાંયે તડ પડી જાય. ચિંતા કરવાને બદલે ચિંતન કરવું જોઈએ. હું તો એટલે સુધી કહું છું કે ચિંતનની પળોજણમાં ન પડવું જોઈએ. ચિંતા કરવાને બદલે સક્રિય પ્રાર્થના કરવી જોઈએ અથવા દયારામની જેમ કહેવું જોઈએ કે : ‘ચિત તું શીદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે.’

આપણને આત્મામાં ભરોસો નથી અને પરમાત્મામાં શ્રદ્ધા નથી. સલામતીના વિચાર કરવાથી કોઈને સલામતી મળી હોય એવું જાણ્યું નથી. વિચારને બદલે આચાર. રસ્તો હોય અને પગ પણ હોય. છતાં ચાલવાની તૈયારી ન હોય તો રસ્તો અને પગ બન્ને નકામા છે. દરેક માણસને ક્યાંક ને ક્યાંક ઓછપ વર્તાય છે. કોઈકને પૈસો ઓછો પડે છે, કોઈકને ઓછા પૈસાને કારણે સગવડ ઓછી પડે છે. મોટા ભાગના માણસો આવતીકાલની ચિંતામાં લોથપોથ થઈ જાય છે. માણસને તમે ગમે એટલું આપો એ ધરાવાનો નથી. એ વાઘ જેવો વૃકોદર છે. એની ભૂખ કદીયે શમવાની નથી.

મન કાયમનું ભિક્ષાપાત્ર છે. કેટલાક માણસોના મન સ્વભાવે માગણ જેવા હોય છે. માગણ જેવા માણસો અંદરથી ભિખારી હોય છે, ગર્ભદરિદ્ર હોય છે. મને તો ફાગણ જેવા માણસો ગમે. એમના ચહેરા પર આનંદ લખાયેલો હોય. કહેવું ન પડે કે એ સુખી છે. એનું સુખ સૂરજના પ્રકાશની જેમ ફેલાયેલું હોય છે. પ્રકૃતિમાં ક્યાંયે કોઈ ચિંતા કરતું નથી. વૃક્ષ ચિંતા નથી કરતું એટલે તો એ વિકસે છે. વૃક્ષને ફૂલો આવે છે, ફળ આવે છે.

આપણે તો ગમે એટલા સફળ થઈએ તો પણ અંદરથી કોઈ ને કોઈ નિષ્ફળતાની પીડાથી પીડાઈએ છીએ. મૂળમાં તો માણસનાં મૂળિયાં ઊંડાં હોવાં જોઈએ. આકાશ જેવા ઈશ્વરમાં કે ઈશ્વર જેવા આકાશમાં ભરોસો હોવો જોઈએ. હૃદયમાં હાશકારો હોવો જોઈએ. હૃદયમાં ગુંજન હોય ને સૃષ્ટિને આલિંગનમાં લેવાની કરુણા હોય. બીજાઓ પ્રત્યે પ્રેમનો સંગીતમય સંવાદ હોય. માણસ પોતા પર રાજી હોય તો બીજાને રાજી કરી શકે અને કોઈ પણ પ્રકારના વસવસા વિના જીવવાનો નશો કોઈ ઓર જ હોય છે.

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More