મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

બુધવાર, 24 નવેમ્બર, 2010

માતાને ક્યારેય છોડશો નહીં...

મોટો દીકરો માનસિક બીમારીનો ભોગ બને અને વચલા દીકરાને એવું લાગે કે એ તો નાટક કરે છે, ત્યારે પિતાવિહોણા પરિવારની દીકરી પરિવારનો આધારસ્તંભ બનવાનું નક્કી કરે ત્યારે...

‘મારે એટલું જ કહેવું છે કે આ વાંચનારા સૌ આગળ વધે, મહેનત કરે અને મારા માટે દુવા કરે. ખાસ કરીને યુવાનોને મારી એટલી જ વિનંતી છે કે માતાનો સાથ ક્યારેય ન છોડો. તમે જ્યારે માતાને છોડી દો છો, ત્યારે એની સ્થિતિ કેવી થાય છે તેનો તમને ખ્યાલ નથી હોતો. માટે ગમે તે થાય તો પણ ક્યારેય માતાને છોડશો નહીં.’ આ શબ્દો છે, ચોવીસ વર્ષની પ્રિયંકાના, જેણે પોતાની માતા સહિત ભાઇ-ભાભી અને ભત્રીજાની તમામ જવાબદારી ઉપાડવા સાથે પોતાના અભ્યાસ અને ભવિષ્યને પણ ઉજજવળ બનાવ્યું છે. પ્રિયંકાની કથની એના જ શબ્દોમાં...

‘મારા મમ્મી-પપ્પા મૂળ તો નેપાળના હતા, પણ પપ્પા અમદાવાદમાં નોકરી માટે આવ્યા હતા. મારા મમ્મી-પપ્પાને હું ખૂબ લાડકી હતી કેમ કે મારા પહેલાં બે મોટા ભાઇ ખરા, પણ મમ્મીને દીકરી જોઇતી હતી. તેમણે એ માટે અનેક દુવા માગી હતી અને બંને ભાઇના જન્મ પછી દસ વર્ષે મારો જન્મ થયો. તેથી મને ખૂબ લાડકોડથી ઉછેરતાં.

હું દસમા ધોરણ સુધી અભ્યાસમાં ખાસ હોશિયાર નહોતી. દસમા ધોરણમાં હું નાપાસ થઇ ત્યારે મારા સૌથી મોટા ભાઇએ મને બીજી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. ત્યાંના પ્રિન્સિપાલની પ્રેરણાથી મને અભ્યાસમાં રસ જાગ્યો અને પછી મેં સાયન્સ કે કોમર્સ પ્રવાહને બદલે આર્ટ્સમાં જવાનું વિચાર્યું. તેનું કારણ અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે સાયન્સ પ્રવાહમાં હું ઉચ્ચ અભ્યાસ કરી શકું.

મારા શિક્ષકોનાં માર્ગદર્શનથી મેં ગુજરાતી વિષયમાં એમ.એ. કર્યું. તે સાથે મને મેંદી મૂકવાનો શોખ હોવાથી અનેક સ્પર્ધામાં ભાગ લઇ ઇનામ પણ મેળવતી રહી. એવામાં મારા મોટા ભાઇને એક્સિડન્ટ થયો.

તેમને માથામાં એવી ઇજા થઇ હતી કે તેઓ સ્કીઝોફ્રેનિક બની ગયા હતા. તેમના લગ્ન થઇ ગયા હતા અને નાનો દીકરો પણ હતો. મોટા ભાઇની આવી માનસિક સ્થિતિને કારણે તેમની નોકરી છુટી ગઇ અને ઘરની જવાબદારી પપ્પા પર જ હતી. પપ્પાનું અવસાન થયું ત્યારે મેં તેમને વચન આપેલું કે ભાઇ-ભાભી અને માતાને સાચવીશ. આથી મેં અભ્યાસની સાથે પાર્ટટાઇમ મેંદી મૂકવાનું કામ શરૂ કર્યું. મારા વચલા ભાઇ મોટા ભાઇની બીમારીની ગંભીરતા સમજતો નહીં. એ કહેતાં કે એને તો ઘરે બેઠાં ખાવું હોવાથી આવા નાટક કરે છે. અંતે મારા મમ્મીએ જ એ ભાઇ-ભાભીને સામે ચાલીને જુદા રહેવાનું કહી દીધું.

હવે મોટા ભાઇ-ભાભી, ભત્રીજા અને મમ્મીની જવાબદારી મારા પર આવવાથી મેં અભ્યાસ પાર્ટટાઇમ કરી મેંદી મૂકવાનું કામ ફુલ ટાઇમ શરૂ કરી દીધું. તે સાથે આઇટીઆઇમાં શીખવવામાં આવતો બ્યૂટિપાર્લરનો અભ્યાસ કર્યો અને ઘરે જ પાર્લરના કલાસીસ શરૂ કરી દીધા. જેથી મારા પરિવારનું ગુજરાન ચાલે. હા, મારા વચલા ભાઇએ ક્યારેય આર્થિક મદદ નથી કરી. હું જાતે જ દૂરંદેશીતાથી વિચારીને કામ કરું છું.

મેં અભ્યાસની સાથે મેંદીનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જેની આવકમાંથી મમ્મી-પપ્પાને જાત્રાએ મોકલવાની ઇચ્છા હતી. હવે પપ્પા તો નથી, પણ મમ્મીને ચોક્કસ જાત્રાએ મોકલીશ. તે માટે મેં નક્કી કર્યું છે કે દર વર્ષે એક પુસ્તક તો પ્રકાશિત કરતી જ રહીશ. તે સાથે પાર્લર પણ શરૂ કર્યું છે જેથી હું સાસરે જાઉં તે પછી પણ મમ્મીને આર્થિક કંઇ ચિંતા ન રહે. આથી જ મેં સૌને મારા માટે દુવા કરવાની વિનંતી કરી છે.’

સંઘર્ષ ગાથા{ શેફાલી પંડ્યા ‘અમી’ }

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More