મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

રવિવાર, 21 નવેમ્બર, 2010

બદલો તમારી દુનિયા

એકાંતમાં પોતાના નામનું જોરથી ઉચ્ચારણ કરો, જાણે તમને કોઇ બોલાવી રહ્યું હોય. તમને હંમેશાં બીજા લોકો બોલાવે છે, તમે તમારી જાતને ક્યારેય નહીં બોલાવી હોય, એટલે આ એક મજેદાર અનુભવ બની રહેશે.

લોકો જ્યારે પણ દુનિયાથી કંટાળી-ત્રાસીને પરેશાન થઇ જાય છે ત્યારે એમને થાય છે કે દુનિયા બદલી નાખવી જોઇએ. આટલી જંજાળ, સમસ્યાઓ, નિરાશા, પડકારો... આના કરતાં એક નવી અને બહેતર દુનિયા કેમ ન બનાવી નાખીએ? કેટલાય સમાજસેવકો અને આદર્શવાદીઓ આવા વિચારથી પ્રેરાઇને દુનિયાને બદલવા નીકળી પડે છે, પરંતુ એક નાનકડું સત્ય એમના ઘ્યાનબહાર રહી જાય છે કે દુનિયા કોઇ ભૂગોળ નથી, એ તો દરેક માણસના મનમાં વસે છે. દરેક માણસ પોતાની દુનિયા પોતાની સાથે લઇને ચાલે છે.

એટલે જે લોકો દુનિયાને બદલવા ઉત્સુક છે તેઓ પોતાની જાતને બદલી નાખે, બસ એની દુનિયા બદલાઇ જશે. દુનિયા કેમ બોજભરી લાગે છે? કેમકે આપણે સૌ યંત્રવત્ જીવીએ છીએ... એ જ ઘસાયેલી-પીંખાયેલી વિચારસરણી અને એ જ પરંપરાગત જીવનશૈલી. આવાં જીવનથી છેવટે કંટાળી જવાય એમાં શું નવાઇ?

ઓશોની અદ્વિતીયતા એ છે કે તેઓ વસ્તુસ્થિતિને બિલકુલ નવી ભૂમિકાથી, નવી નજરથી જુએ છે. એ નજરને જો સમજો અને જીવનમાં ઉતારો તો તમે આ જ દુનિયામાં નવી રોનક અને તાજગી લાવી શકશો.

પ્રસ્તુત છે ઓશોનાં કેટલાંક સૂત્રો, જે તમારી દુનિયા બદલી નાખવા માટે સમર્થ છે:

પ્રતીક્ષા અને કૃતજ્ઞતા

આજની દુનિયામાં બધી વસ્તુઓની ગતિ વધુને વધુ તેજ થતી જાય છે. ઝડપનો નશો આપણા પર વધુ ને વધુ ચડતો જાય છે. જેમાં સમય લાગે, ધૈર્ય અને લગનની જરૂર પડે એવી કોઇ ચીજ વિકસાવવાનો જાણે કે ચાન્સ જ નથી. ઝડપનો નશો તમને એવી કોઇ બાબત કરવાની પરવાનગી જ નથી આપતો, જેમાં પ્રતીક્ષાની કળા આવશ્યક હોય. ઊંડા પ્રેમની સાથે પ્રાર્થનામય બનીએ અને કૃતજ્ઞતા સાથે પ્રતીક્ષા કરીએ.

કૃતજ્ઞતા એને માટે, જે બની ચૂકયું છે અને ધૈર્ય એને માટે, જે બનવાનું છે. સામાન્ય રીતે માણસનું મગજ એથી ઊલટું કરે છે. જે નથી થયું કે નથી થઇ શકયું એને માટે દુભાતો-બળતો રહે છે, જે થવાનું છે એને માટે હંમેશાં કંઇ વધુ પડતો અધીરો રહે છે. એ હંમેશાં ફરિયાદ કરે છે, કૃતજ્ઞ ક્યારેય નથી બનતો. કૃતજ્ઞતા હૃદયમાં એક પાત્રનું નિર્માણ કરે છે, જેનાથી ગ્રહણ કરવાની ક્ષમતા વિકસે છે.

શાંતિનું સુરક્ષાકવચ

જે ક્ષણે તમને લાગે કે ઊંઘ ઊડી ચૂકી છે તો તરત આંખો ન ખોલો, પહેલા આ પ્રયોગ ૧૦ મિનિટ કરો, પછી આંખો ખોલો. શરીર આખી રાત પછી વિશ્રામમાં છે અને તાજગી અને જીવંતતાનો અનુભવ કરી રહ્યું છે. તમે પહેલેથી જ વિશ્રામમાં છો એટલે ઘ્યાનમાં ઊતરવામાં વધુ સમય નહીં લાગે. સૂતાં સૂતાં જ પોતાની ચેતનાને હૃદય પર લઇ આવો અને હૃદય ગહન શાંતિથી ભરેલું અનુભવો.

૧૦ મિનિટ આવી જ શાંતિમાં ડૂબેલા રહો, જાણે કોઇ શાંત સરોવરમાં ડૂબકી લગાવી રહ્યા છો અને પછી આંખો ખોલો. દુનિયા બિલકુલ જુદી જ દેખાશે. આ શાંતિ આખો દિવસ કવચ તરીકે તમારી સાથે રહેશે. તમે ઘ્યાનમાં જેટલા ઊંડા ગયા હશો એટલા લાંબા સમય સુધી તમે શાંતિનો અનુભવ કરતા રહેશો.

પોતાની જાતને પોકારો

ન રામને પોકારો, ન અલ્લાને પોકારો, કેવળ પોતાનું નામ લો. દિવસમાં જ્યારે પણ તમને કોઇપણ પ્રકારની ઊંઘ જકડવા માડે, દુનિયાનો બોજ વધી જતાં તમે અંદર ડૂબવા માંડો ત્યારે પોતાની જાતને પોકારો. વિજય, તું શું હાજર છે? ..અને જાતે જ જવાબ આપો. ત્યાં બીજું કોઇ નથી એટલે તમારે જ જવાબ આપવાનો છે: હા, હું છું. માત્ર જવાબ આપો નહીં, એ સાંભળો પણ ખરા: હું છું અને ત્યાં સાચેસાચ હાજર રહો. તમે એક નવી જાગૃતિનો અનુભવ કરશો. આ જાગૃતિમાં વિચાર અટકી જાય છે અથવા ક્યારેક એકાંતમાં બેસી આંખો બંધ કરો અને પોતાના નામનું જોરથી ઉરચારણ કરો, જાણે તમને કોઇ બોલાવી રહ્યું હોય.

તમને હંમેશાં બીજા લોકો બોલાવે છે, તમે તમારી જાતને ક્યારેય નહીં બોલાવી હોય, એટલે આ એક મજેદાર અનુભવ બની રહેશે. પોતાના નામનું રટણ કરતાં કરતાં તમને કેટલાય અવાજ સંભળાશે, જેમકે તમારી મા બોલાવી રહી છે કે પિતાજી બોલાવે છે, કુટુંબના લોકો, મિત્રો, પડોશીઓ... કેટલાય અવાજ સંભળાશે. દરેક અવાજ સાથે તમારો એક સંબંધ છે, દરેક અવાજ તમારી અંદર એક તરંગ પેદા કરે છે: પ્રેમનો, ધૃણાનો કે જે પણ હોય.

આ અવાજમાં ડૂબતા જાવ. ધીરે ધીરે તમે એવી જગાએ પહોંચશો, જયાં તમે એકલા હશો, જાણે કે શિવાલયમાં બેઠા હો. બધા લોકો ખોવાઇ જશે, ત્યાં તમારું જ નામ ગૂંજતું હશે. એ નામ સાથે તમારો ખૂબ ઊંડો અંગત સંબંધ છે. છેવટે એ ઘ્વનિ પણ ખોવાઇ જશે અને તમે મૌન બનીને નિરવ શાંતિમાં વિરમશો.

દીવાલો સાથે વાત કરો

પોતાના ખંડમાં બેસી દીવાલ તરફ મોં કરો અને મનમાં જે આવે એ બોલવાનું શરૂ કરો. એ કોઇ સાંભળે એ જરૂરી નથી. આમ પણ કોણ કોને સાંભળે છે? લોકો મને સાંભળી રહ્યા છે એવું જ્યારે આપણને લાગતું હોય છે ત્યારે પણ એ ભ્રાંતિ જ હોય છે. કોઇ કોઇને નથી સાંભળતું હોતું, મોટેભાગે લોકો દીવાલ સાથે જ વાત કરતા હોય છે. આ વિધિ તમને એકદમ રિલેકસ કરી દે છે. તમે દીવાલ સામે બેફામ બોલવાનું શરૂ કરી દો. પહેલા પહેલાં હસવું આવશે, પરંતુ ઝડપથી તમારી ગાડી દિશા અને ઝડપ પકડી લેશે તથા તમારી અંદર તમે જે કંઇ દબાવ્યું છે એ બહાર ફૂટી નીકળશે.

દીવાલ સામે બધું જ, અચકાયા વગર કહી શકશો. એને કારણે તમે મનની અકળામણ-બળતરા બીજાઓ સમક્ષ વ્યકત કરો છો એની જરૂર નહીં રહે. તમારા સંબંધો સારા રહેશે અને તમારું મન પણ હલકું થઇ જશે. લગભગ અડધો કલાક દીવાલ સાથે વાત કર્યા પછી તમે ખૂબ શાંતિનો અનુભવ કરશો. એ શાંતિમાં આંખો બંધ કરી નિશ્વિંત બનીને બેસી રહો. આટલી શાંતિનો તમે પહેલાં ક્યારેય અનુભવ નહીં કર્યો હોય

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More