મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

સાસુ-વહુના સંબંધોની અનોખી સહયાત્રા

સારમાણસાઈથી સભર, સરળ અને સહૃદયીભાભી

‘અરે યાર, આઈ એમ જેલસ ઓફ ધીઝ પર્સન - ‘ભાભી’! દિવસમાં દસ વાર તમારા હોઠ પર એનું નામ હોય છે!’ત્રીસેક વર્ષ પહેલાં રાજકોટની એક કંપનીમાં મેં સવા વર્ષ જોબ કરેલી. ત્યાં બારી બાજુની કેબિનમાં બેસતા એક યંગમેને આ શબ્દો મને કહેલા. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરનો એ પુત્ર અમેરિકાથી મેનેજમેન્ટનો અભ્યાસ કરીને નવો-નવો જ રાજકોટ પાછો ફર્યો હતો. કલ્ચર શોકની અસર તાજી જ હતી.

એવામાં મારા જેવી કલકતામાં ઊછરેલી અને મુંબઈમાં રહેલી યુવતીની કેબિન તેની બાજુમાં હતી એ (તેના જ શબ્દોમાં) તેને માટે ‘આશીર્વાદ’ સમું હતું. મારી સાથે સંવાદનો દોર એ સહેલાઈથી સાધી શકતો પણ તેને મારી સામે આ ફરિયાદ હંમેશ રહી. મને લાગે છે એ નિખાલસ હતો એટલે કદાચ તેણે મને આ વાત મોઢા પર કહી દીધી હતી પરંતુ ગયા મહિને ભાભીનું મૃત્યુ થયું ત્યાર મારા તમામ મિત્રો, સ્નેહીઓ અને સ્વજનો પાસેથી જે એક વાક્ય અચૂક સાંભળવા મળ્યું તે આ હતું : ‘તને તો એમની ખોટ બહુ સાલશે... તારા મોઢે તો બસ ભાભી, ભાભી, ભાભી... એક જ નામ સાંભળ્યું છે...!’

હા, માત્ર મારા હોઠ પર જ નહીં, મારા સમગ્ર જીવનમાં તેઓ એટલી હદે વણાઈ ગયાં હતાં કે મારા વિચારો અને મારી વાતોમાં તેમની હાજરી હંમેશ રહેતી. આજે કમ્પ્યુટર પર લખાયેલાં લખાણમાં કોઈ શબ્દ કેટલી વાર આવ્યો તે જાણવું હોય તો ‘ફાઈન્ડ’ કીની મદદથી જાણી શકાય છે. થાય છે છેલ્લાં છત્રીસ વર્ષમાં મારા મોઢે આ નામ કેટલી વાર આવ્યું એ જાણવાની કોઈ ચાવી હોત તો!

કોણ છે આ ‘ભાભી’?

સગપણમાં એ મારાં સાસુ પણ ઘરમાં નાનપણથી બધાં બાળકો તેમને બા કે મમ્મી કહેવાને બદલે ભાભી કહેતાં એટલે દીકરાની વહુઓ અને જમાઈઓ પણ તેમને ભાભી જ કહે. જો કે આ સાસુ કે તેનો અંગ્રેજી પર્યાય મધર-ઈન-લો મને ગમતો નથી. વણકહે પણ એક પ્રકારનું અંતર એમાં ડોકાય છે, જ્યારે ભાભી સાથેનો મારો સંબંધ અત્યંત ગાઢ અને અનોખો હતો. આપણે ‘મધર-ઈન-લવ’ એવો શબ્દ ન કોઈને કરી શકીએ?! મારી બા સાથે મેં જિંદગીનાં બાવીસ વર્ષ વિતાવ્યાં હતાં, જયારે ભાભી સાથે હું પાંત્રીસ વર્ષ રહી. મને ભાભી પાસેથી બાની હૂંફ મળી અને એક ભાભી સાથે સાધી શકાય તેવું સખ્ય પણ મળ્યું.

એમનું નામ સરલાબેન. યથા નામ તથા ગુણ જેવું જ સરળ તેમનું વ્યક્તિત્વ. હૈયા અને હોઠ વરચે કોઈ વાંકી કેડી ન મળે. ચાર ફીટ દસ ઈંચનું નાજુક કદ, પાતળી કાયા, ઊજળો વાન, અણિયાળું નાક, ઝીણી સૌમ્ય આંખો, પાતળા ગુલાબી હોઠ અને ચહેરા પર છલકતી ગરવી ખાનદાની. એ નાજુક રૂપાળી ભાટિયાણી સાથે આ જૈનની દીકરીના સંબંધની સફર આજથી છત્રીસ વર્ષ પહેલાં શરૂ થઈ. ૧૯૭૫થી ૨૦૧૦ સુધી અમે બન્ને સાથે રહ્યાં. વચમાં ૧૯૮૦-’૮૧માં માત્ર એક વર્ષ મારે રાજકોટ રહેવાનું થયું એટલો જુદાઈ થઈ.

સાડાત્રણ દાયકાની આ સહિયારી જીવનયાત્રામાં મેં ભાભીને કેટકેટલા ભિન્ન મુકામો પર જોઈ! એ પહેલાંની તેમની જિંદગી વિશે પણ જાણ્યું અને આશ્ચર્યચકિત બનતી ગઈ! ગોવાના એક સુખી ભાટિયા પરિવારની એ દીકરી. પાંચ ભાઈઓની એકની એક બહેન હતી. હું પરણીને આવી પછી શરૂઆતના દિવસોમાં કલકત્તાના અમારા આલિશાન દીવાનખાનામાં બપોરનો આરામ કરતાં કરતાં અમે વાતોએ વળગતાં. હું ભાભીને તેમનાં બાળપણ અને પિયરઘરની વાતો પૂછતી.

આવી જ એક બપોરે તેમની પાસેથી જાણ્યું હતું કે તેમનાથી મોટા બે ભાઈઓ તો કિશોર વયે અને યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા. તેના આઘાતમાં તેમની મા પણ પિસ્તાળીસેક વરસે ચાલી નીકળ્યાં હતાં. એ વખતે મને બહુ જ નવાઈ લાગેલી કે તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં હતાં પણ ભાભીની આંખમાં જરીકે ભીનાશ નહોતી ભળી. એ નાજુક સ્ત્રીની મજબૂતી મને અચંબિત કરી ગઈ હતી!

ભાભી પરણીને આવી ત્યારે તેમના સસરાએ પોતાના એકના એક દીકરાની વહુ માટે કલકત્તામાં પાંચ માળનું મકાન બનાવડાવ્યું હતું. પોતાની પુત્રવધૂને ભાડાના ઘરમાં ગૃહપ્રવેશ નહોતો કરાવવો એટલે કડિયાઓ ને મજૂરોને તાકિદ કરીને એ મકાન લગ્ન પહેલાં જ તૈયાર કરાવી લીધું હતું. બેલ્જિયમ ગ્લાસના સોળ મોટા-મોટા અરીસાઓ અને સ્ટેઈન્ડ ગ્લાસથી મઢેલાં સીસમના લાકડાના દરવાજાઓવાળા વિશાળ દીવાનખાનામાં પંદરમે વરસે ભાભી નવવધૂ બનીને આવ્યાં ત્યારનો તેમનો એક ફોટો જોયેલો. એકદમ બાલિકાવધૂ લાગતાં હતાં. એ ઘરના ઘર, સુખ-સાહ્યબી અને નોકર-ચાકરની જાહોજલાલીમાં તેમની જિંદગીનાં આરંભનાં વરસો વીત્યાં. ભાભી ત્રણ દીકરા અને ચાર દીકરીઓની મા બન્યાં. બધાં ભણીગણી અને પરણી પણ ગયાં.

સુખના દરિયામાં ભરતી જ ભરતી હતી અને ભાભી એ બધું ગરિમાપૂર્વક પચાવીને રહેતી હતી. તેમના સ્વભાવની કૂણપ અને હૃદયની અનુકંપા પણ એવાં જ છલોછલ હતાં. એ વિશે મને અમારા એક ફોઈબા (ભાભીના નણંદ) પાસેથી જાણવા મળ્યું. ચંપાફુઈને લગ્નજીવનના આરંભના બે દાયકા ખૂબ આર્થિક સંકડામણ અને અભાવનો સામનો કરવો પડ્યો હતો પરંતુ એ અરસામાં ભાભીએ તેમનું ખૂબ જ ઘ્યાન રાખ્યું.

પતિને પણ ખ્યાલ ન આવે એમ નણંદના ઘરની જરૂરિયાતો પૂરી કરી દેતાં. વારે-તહેવારે પોતાનાં બાળકોની હારોહાર તેમનાંય બાળકોના પણ કપડાં ને બીજી-ત્રીજી જરૂરિયાતોની કાળજી લેવાઈ જતી. આ વિશે આ પાંત્રીસ વર્ષમાં મેં ભાભીના મોઢે એક અક્ષર સાંભળ્યો નથી. આજે પણ ફોઈના દીકરા-દીકરીઓ જે અહોભાવથી ‘મામી’ને યાદ કરી ગદગદ થાય છે તે ભાભીની દરિયાદિલીનો પુરાવો છે.

અન્ય સગાં-સ્વજનો પ્રત્યે કે નોકર-ચાકર પ્રત્યે પણ ભાભીનો વર્તાવ આવો જ સહાનુભૂતિભર્યો. દુન્યવી દોલતનું અભિમાન તેમની વાણી કે વ્યવહારમાં ક્યારેય જોયું નથી પરંતુ તેમના પોતાના જીવનનો કસોટીકાળ ઉત્તરાવસ્થામાં લખાયેલો હતો તેની કોને ખબર હતી! સિત્તેરના દાયકાના છેલ્લાં વર્ષોથી ભાભીના જીવનમાં વિપદનાં વાદળો ધેરાવાં લાગ્યાં. પેલું મકાન અને આઠ દરવાજાની મોટી દુકાન વેચીને ભાડાના એક નાનકડા ઘરમાં રહેવાનો દિવસ આવ્યો.

કલકત્તામાં જેમણે ભાભીની જાહોજલાલી જોઈ હતી એ લોકોને ભાભીને આ સ્થિતિમાં જોઈને ખૂબ લાગી આવતું પણ એ બાબતે ભાભીની આંખમાં મેં તો કદી આંસુ જોયાં, ન કદી એમના હોઠ પર ફરિયાદ સાંભળી! એ દિવસો મારાં લગ્નજીવનના પણ શરૂઆતના જ દિવસો હતા. સંસારની આ આસમાની-સુલતાની જોઈ હું દુ:ખી થઈ જતી. પરંતુ ભાભીની સ્વસ્થતા અને સંયમ જોઈ એ દુ:ખને ભીતર ભંડારી રાખવાની તાકાત મળી.

પછી તો એ શહેર છોડીને મુંબઈ આવીને વસ્યાં. એક પુત્રે ધંધામાં ગયેલી ખોટનો સામનો નહીં કરી શકતા ગૃહત્યાગ કર્યો. તેના એકાદ વરસ બાદ પૂજય ભાઈનું (સસરાજીને ઘરમાં બધા ભાઈ કહેતા) અવસાન થયું. ભાઈ પણ ભગવાનનું માણસ હતા. તેમના અવસાન પછી મારાં બા-બન્ધુબેન મેઘાણીએ પોતાની બહેન પર લખેલા પત્રનો આ અંશ તેમનો આછેરો પરિચય કરાવી શકશે:

‘તરુને રાજકોટ પત્ર લખ્યો છે. આવી પરિસ્થિતિમાં એના સસરા મનની ખાનદાનીની ખુશબો બરાબર સાચવીને સુખે, શાન્તિએ, વગર પીડાએ, પ્રભુનાં શરણમાં પહોંચી ગયા. ખરેખર ભગવાનના માણસ - અતિશય ભલા હતા. હંમેશ અમને કહેતા, ‘કાંઈ ચિંતા કરશો માં. બધું સારું થઈ જશે.’ અરે, મહેલમાં રહેનારા રસ્તે નીકળી પડે ત્યારે સતજુગના રામના દિવસો યાદ આવે? પણ એ તો અમે તેમને ઘરે જઈએ ત્યારે આ શબ્દો યાદ કરતા અને વેળા પડી એને મનમાં ને મનમાં જીરવી રહેતા:

‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ રઘુનાથના જડિયાં
સંકટ સઘળાં સહીએ ને મુખથી સાચું કહીએ’

સત્તાવન વરસે વિધવા થયેલાં ભાભીએ પતિની વિના ૨૯ વર્ષ વિતાવ્યાં! પેલા દીકરાની ભાળ ભાભી જીવ્યાં ત્યાં સુધી મળી જ નહીં! બાકીનાં સંતાનોની જિંદગીની ગાડીઓ તો પાટે ચડી ગઈ પણ ભાભીના મોઢે ક્યારેય પોતાના જીવનની કરુણાંતિકાઓ વિશે એક હરફ પણ સાંભળ્યો નથી. મારી બાએ ૧૯૮૧માં ભાભીને એક પત્રમાં લખેલું તે યાદ આવે છે:

‘વહાલાં સરલાબહેન, તમારી હર સમયની સ્મૃતિ અને અહીંના સહવાસની છબી મારા અંતરથી પળ પણ અળગી નથી થતી. ધરતીમાતા જેવી ધીરજ અને સહનની તમારી તાકાત મેં નજરોનજર જોઈ છે. તમારા સહુના ટેકે ટકી રહી છું.’
સતત ઘરનાં કામકાજ અને વટ-વ્યવહારમાં વ્યસ્ત રહેવું ભાભીને બહુ ગમતું. ચોખ્ખાઈમાં તેમનો ખ્યાલ ધર્મને રંગે રંગાયેલો હતો એટલે એઠાં-જૂઠાંની શિસ્ત પાળવામાં હાથ ધોવાનું મહત્ત્વ ઘણું હતું.

વારંવાર હાથ ધોવાનો તેમને ક્યારેય કંટાળો નહોતો આવતો. તેમની કાર્યપ્રીતિ તો ગજબની હતી. પચાસ વરસે તેમને પગમાં વાની તકલીફ થઈ હતી. ઘૂંટણ પાસે ખૂબ દુ:ખાવો થાય. ડોકટરે કહેલું કે હરતાં-ફરતાં રહેજો નહીં તો પગ જકડાઈ જશે. અને ભાભી દુ:ખતા પગે ઘરની ખરીદી કરવા ચાલીને જાય અને સીડીની ચડ-ઊતર ચાલુ જ રાખે. પોતાની કોઈ પણ શારીરિક પીડા કે માનસિક વ્યથાને ગાઈ-વગાડીને કહેવાનું તેમના સ્વભાવમાં જ નહોતું.

સવારના ચાર ડિગ્રી તાવ હોય અને બપોરના ગેસ ઉપર તાવડો મૂકી કડક પૂરી કે સક્કરપારા બનાવતા મેં ભાભીને જોયાં છે. એવો જ એમનો વ્રત-ઉત્સવોને ઉજવવાનો ઉમળકો; શીતળા સાતમને દિવસે કે દિવાસાને દિવસે દીકરીઓ કે નણંદોને ઘરે ચાંદીના લોટામાં દહીં ને ફ્રૂટના ટોપલા ભરીને મોકલવાના હોય કે દિવાસાના જવારા વાવવાના હોય, તેમને બધું યાદ હોય અને સમયસર બધું કરાવે. વાર-તહેવારે પહેરી ઓઢીને વડીલોને પ્રણામ કરવા જવાનું કે સગાં-સંબંધી ને પાસ-પાડોશના સારા-માઠા પ્રસંગોએ પહોંચી જવાનું પણ એ ક્યારેય ચૂકયાં નથી.

ભાભીની સરળતાનો અને ગભરુપણાનો લોકો ગેરલાભ લેતા ત્યારે મને બહુ ગુસ્સો આવતો પણ તેમને એમાં કંઈ ગુમાવ્યાનો અનુભવ ન થતો. મુંબઈમાં શિવાજી પાર્ક રહેતાં ત્યારે બધા ઘરમાં હોય તો ભાભી કોઈને ફોન કરવાનું ટાળતી. ધીરે ધીરે એમનો એ સંકોચ દૂર કરવામાં હું સફળ થઈ તેનો મને આનંદ હતો. બદલાતા સંજોગો સાથે ઝાઝો ઊહાપોહ કર્યા વિના તાલ મિલાવી લેવાની ભાભીની કુનેહ મને તાજજુબ કરી દેતી. અમારા પરિવારમાં નોકરી કરનાર હું પહેલી સ્ત્રી હતી પણ મારા વ્યવસાયી રુટિન સાથે તેમણે સહેલાઈથી અનુકૂલન સાધી લીધું. શરૂઆતના એ સમયમાં નાનકડા મારા દીકરાને ભાભીએ જીવની જેમ સાચવ્યો અને એ દાદી-પોતરા વરચેનું બોન્ડ છેવટ સુધી અનેરું અને અતૂટ રહ્યું.

અમારી વરચેની રિલેશનશિપ એટલી મુક્ત હતી કે મારી ઓફિસ અને કલિગ્સની વાતો કે મારા પિયરની બધી વાતો પણ ખૂલીને ભાભી સાથે થઈ શકતી. બહાર ફરવા ગયા હોઈએ અને ખરીદી કરી હોય તો ઘરમાં આવીને પહેલાં ભાભીને એ બધી ચીજો હું હોંશથી બતાવું અને ભાભી પણ એટલા જ ઉત્સાહથી બધું જુએ અને કોને માટે શું છે એ રસપૂર્વક જાણે.

મારા જીવનનાં કેટલાંક સત્યો વણકહે ભાભીએ કથી લીધાં અને તેની સાથે સહમત ન હોવા છતાં એ સમભાવે સ્વીકારી લીધાં. ઉંમર અને માનસિક ભૂમિકાની દ્રષ્ટિએ અમારાં બન્ને વરચે આમ તો ખાસ્સું અંતર હતું, મા-દીકરીની વરચે થાય તેવા મતભેદ પણ અમારી વરચે હતા જ પરંતુ અમારી વરચે જે નિકટતા સ્થપાઈ હતી તે અભૂતપૂર્વ હતી. કોઈ પણ વાત છૂપી રાખવાની જરૂર ન રહે તેવો સાસુ-વહુ વરચેનો સંબંધ સ્વયં એક ઘટના ન ગણાય?

આવી આ ભાભીએ ૨૦૧૦ની આઠમી ઓકટોબરે, પહેલાં નોરતાંની સાંજે ૮૬ વરસની વયે જીવનલીલા સંકેલી લીધી ત્યારે મેં મારી બીજી મા ગુમાવી. છેલ્લાં બે વર્ષથી ભાભી પગમાં કપાસીની પીડાથી હેરાન હતી. ઘણા ઉપચારો કર્યા છતાં વારંવાર ત્રાટકતી એ પીડાએ છેલ્લા નવેક મહિનાથી તેમની હરફર ઉપર રોક લગાવી દીધી હતી. એ ઉપરાંત વૃદ્ધાવસ્થા અને પાર્કિન્સન્સ. છેલ્લે ત્રણ અઠવાડિયાં પહેલાં પડી ગઈ અને માથામાં ઈજા થઈ.

બીજે દિવસે એમ.આર.આઈ. કરાવ્યું. રિપોર્ટ તો નોર્મલ આવ્યો. અમે ચિંતામુકત બન્યા પણ પછીના દિવસથી આંખ ખોલવાનું અને બોલવાનું લગભગ નહીંવત્ થઈ ગયું હતું. આખો સમય સૂતાં જ હોય. સિનિયર ડોક્ટરને કન્સલ્ટ કરીને તેમની સારવાર - શૂશ્રુષા ઘરે જ ચાલુ રાખ્યાં હતાં. આખી જિંદગી સ્વનિર્ભર રહેલી ભાભી નાના બાળકની જેમ એકે-એક જરૂરિયાત માટે અવલંબિત થઈ ગઈ હતી.

ખૂબ જ દુ:ખ થતું હતું તેમની હાલત જોઈને. ઊંઘમાંથી તેમને ઉઠાડીને ખોરાક, પાણી, દવા ઈત્યાદી આપવાનું અને અન્ય સંભાળ રાખવાનું સમયસર થતું હતું. એ વખતે હોઠ ભીડી રાખે ત્યારે ‘ભાભી, મો ખોલો ... આ... આ....! ઉ... ઉ.....!’ કરીને ફોસલાવતાં. ‘દાદી... કાળી લીટીવાળી પીપર ખાવી છે? ...હેય...! જુઓ... જુઓ... દાદીએ આંખ ખોલી... આજે તો આપણી દિવાળી...!’ આવા સંવાદોની આપ-લે રોજિંદી થઈ ગઈ હતી. સ્વજનોની આવ-જા શરૂ થઈ ગઈ. બધા ભાભીને જોવા આવ્યાનો સંતોષ લેતા પણ ભાભી હવે - કોણ આવ્યું કે ન આવ્યું - ના પ્રદેશથી ઘણી દૂર નીકળી ચૂકી હતી. ભાગ્યે જ તે મુલાકાતીઓના સવાલનો રિસ્પોન્સ આપતી.

ભાભીને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો સમય હવે પૂરો થઈ ગયો હતો! મૃત્યુ દબાયેલા પગલે નિકટ આવી રહ્યું હતું અને પ્રતિદિન તેનો પગરવ મોટો ને મોટો થતો જતો હતો. જિંદગીની આ અફર વાસ્તવિકતા પોતાના આગમન માટે અમને સજજ કરી રહી હતી છતાંય મૃત્યુ તદ્દન સામોસામ આવી ઊભું ત્યારે હરીન્દ્ર દવેના શબ્દો ફરી એક વાર જીવતા થઈ ગયા: ‘શાણપણની સઘળી દીવાલો હચમચી ઊઠી!’ મારી જિંદગીનો પણ એક અઘ્યાય સમાપ્ત થયો. છેલ્લે તેના કાનમાં કહી દીધું હતું ‘ચિંતા ન કરતાં.’ આજે દિવસો વીતતા જાય છે.

સાંજ પડે ઓફિસેથી ઘર ભણી જવા નીકળું છું ત્યારે ભાભી વગરના ઘરનો સામનો કરવાનો છે એ વિચાર ઉદાસ બનાવી મૂકે છે પણ ભાભીના પુત્ર અને પૌત્રને ઉદાસીના ડુંગર તળેથી બહાર કાઢવાના છે એ વાતે શાણપણની સંપત્તિની થામી લઉં છું અને ‘સરહદનો સિપાહી’ (મારી બા મારે માટે આ વિશેષણ પ્રયોજતી) બની ઘરે પહોંચું છું - હસતી... હસતી! અને પ્રતિ દિન મારી જાતને ભાભીની સારપ અને સહૃદયતાની નિકટ પામું છું. તેનાં પ્રમાણભાન ચૂકી જતાં અતિઔદાર્યને કારણે કવચિત્ અનુભવેલી નારાજગી બદલ આજે હસવું આવે છે. કેમ કે હવે સમજાય છે કે એ તો એવી જ હતી - સારમાણસાઈથી સભર સભર!

અંગત, તરુ કજારિયા

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More